દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ગાંધીજી
પ્રકાશકનું નિવેદન →



દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ





ગાંધીજી








નવજીવન પ્રકાશન મંદિર

અમદાવાદ - ૩૮૦ ૦૧૪


પંદર રૂપિયા


© નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૪

ત્રીજી સુધારેલી આવૃત્તિ, પ્રત ૩,૦૦૦
છઠ્ઠું પુનર્મુદ્રણ, પ્રત ૫,૦૦૦, ઑગસ્ટ ૧૯૯૪
કુલ પ્રત : ૨૫,૦૦૦

આ પુસ્તક નવજીવન ટ્રસ્ટ તરફથી
રાહતદરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


ISBN 81-7229-100-0


મુદ્રક અને પ્રકાશક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

પ્રકાશકનું નિવેદન

ગાંધીજીની આત્મકથા પછી જેનો નંબર આવે એવું પુસ્તક, આત્મકથા પેઠે જ મૂળ ગુજરાતીમાં તેમણે લખેલો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો આ ઈતિહાસ છે. આ ગ્રંથનું એટલું જ મહત્ત્વ નથી. ગાંધીજીના ઘડતરનો સૌથી મહત્ત્વપૂર્ણ સમય અને સત્યાગ્રહની તેમની શોધનો સમય – આનો ઇતિહાસ પણ એમની જ કલમેથી આ ચોપડીમાં મળે છે. જ્યારે જ્યારે પોતાના આત્માના ઊંડાણમાં જઈને જેવા-વિચારવાનું આવે, ત્યારે ઘણીખરી વખત તેઓશ્રી આફ્રિકાના પોતાના જીવનકાળની વાતો અને અનુભવો યાદ કરતા.. આ પુસ્તક આવા મહત્ત્વવાળો ઈતિહાસ છે. તેનો આ રીતનો ખ્યાલ વાચકવર્ગ પર જોઈએ તેટલો પડ્યો નથી, એ આ ચોપડીની અત્યાર સુધીની ખપત પરથી જણાઈ આવે છે. આ ચોપડીની આ ત્રીજી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં તેની ૩,પ૦૦ નકલો ખપી છે. તે પૂરી થવાથી આ તેની નવી અને સચિત્ર આવૃત્તિ કાઢી છે. ગાંધીજીએ લખેલાનું પુનર્મુદ્રણ આ છે; કેમ કે એમાં તો સુધારો સંભવી ન શકે. પરંતુ પ્રકાશન દૃષ્ટિએ એક-બે ફેરફારો એમાં કર્યા છે, તે નોંધવા જેઈએ.

આ ઇતિહાસ, આત્મકથા પેઠે જ, 'નવજીવન'માં સાપ્તાહિક માળા તરીકે લખાયો હતો અને તે પછી પુસ્તકરૂપે બહાર પાડેલો. પહેલી વાર તે બે છૂટા ભાગમાં બહાર પાડ્યો હતો. આ આવૃત્તિમાં બંને ભાગ ભેગા એક ગ્રંથ રૂપે આપ્યા છે અને તેમાં નવ ચિત્રો ઉમેરવામાં આવ્યાં છે.*[૧]

શ્રી વાલજીભાઈ દેસાઈએ આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. તે કરતી વખતે 'ઈન્ડિયન ઓપીનિયન'ની જૂની ફાઈલો ફેંદી, કેટલીય વિગતોની ચોકસાઈ કરી જોતાં જયાં જયાં સુધારાવધારા કરવા જરૂરી લાગ્યા ત્યાં કર્યા હતા; અને એ અનુવાદ ગાંધીજી પાસે

  1. *મોંઘવારીને કારણે ચિત્રો આપ્યાં નથી.

તપાસાવી લીધો હતો. એટલે એ સુધારાવધારા અા આવૃત્તિમાં યથાસ્થાને કરી લેવામાં આવ્યા છે.

ઈતિહાસની મહત્ત્વની તારીખવારી છેવટે આપી હોય તો અભ્યાસીને ઉપયોગી થાય. તે દૃષ્ટિએ પરિશિષ્ટ રૂપે તે આપવામાં આવી છે.

એ ઉપરાંત એક બાબત તરફ ધ્યાન ખેંચવાનું રહે છે. શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ આ સત્યાગ્રહની લડતના એક સૈનિક હતા. તેમણે તે વખતનાં પોતાનાં સંસ્મરણો 'ગાંધીજીની સાધના' રૂપે લખ્યાં છે, તેની પ્રસ્તાવનામાં તેમણે એક બાબતનો ઉલ્લેખ કર્યો છે, તે આ પુસ્તકમાં પા. ર૮૬-૮૮ ઉપર આવતી, પૂર્વ બા ત્યાંની લડતમાં કેવી રીતે જોડાયાં, એ હકીકતને અંગે છે. તેમાં શ્રી રાવજીભાઈએ તેમની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે લખ્યું છે :

“અા નવી આવૃત્તિમાં, પૂ. બાના અવસાન પછી, એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો તે સંબંધે સ્પષ્ટતા કરવાની જરૂર છે :

"દ૦ આ૦ની છેલ્લી લડતમાં પૂ૦ બા જોડાય તે માટે બાપુજીએ કરેલા પ્રયત્ન વિશે 'શુભ શરૂઆત' એ પ્રકરણ વિશે કંઈક સ્પષ્ટતા કરવાની જરૂર છે. 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ'માં બાપુજીએ કાંઈક જુદું લખ્યું છે કે સત્યાગ્રહની લડતમાં સ્ત્રીઓને સામેલ કરવાનો વિચાર થતાં શ્રી છગનલાલ ગાંધીનાં પત્ની કાશીબહેનને અને શ્રી મગનલાલ ગાંધીનાં પત્ની સંતોકબહેનને પ્રથમ વાત કરી અને તેમને તૈયાર કર્યા, અને પછી બા તેમાં સામેલ થયાં. પણ આ પ્રકરણો પ્રસિદ્ધ કરતાં પહેલાં બાપુજી પાસે હું વાંચી ગયો, ત્યારે બાપુજીની સરતચૂક વિશે મેં તેમનું ધ્યાન ખેંચ્યું અને ઉપરના પ્રકરણ વિશે મેં ખાતરી આપી. બાપુજી પણ વિમાસણમાં પડ્યા અને બાની સાક્ષી ઉપરથી નિર્ણય કરવાનું ધાર્યું, બાને બોલાવ્યાં અને અમારી બંનેની વાત તેમની પાસે મૂકી. બાએ જણાવ્યું કે, 'રાવજીભાઈની બધી વાત સાચી છે. એ તો જાણે કાલે સવારે જ બન્યું હોય એવું મને સ્પષ્ટ યાદ છે.' આ ઉપરથી બાપુજીએ જણાવ્યું કે, તો તો મારી સરતચૂક થઈ છે. તે પુસ્તકની નવી આવૃત્તિમાં તે ભૂલ સુધારવી રહી."

વાચક જોશે કે, શ્રી રાવજીભાઈ આ પ્રસંગ વિશે તેમની ઉપર કહેલી ચોપડીમાં 'શુભ શરૂઆત' નામે પ્રકરણમાં જે લખે છે, તેમાં ગાંધીજીએ લખેલાથી જુદી હકીકત આવે છે. તે ભાગ આ આવૃત્તિમાં અંતે પરિશિષ્ટ – ર તરીકે આપ્યો છે. એ પ્રમાણે નવી આવૃત્તિમાં સુધારવાનું ગાંધીજીએ વિચારેલું, પરંતુ તે તો હવે કેમ કરીને બને ? એટલે આ નિવેદનમાં એ તરફ વાચકનું ધ્યાન ખેંચીને સંતોષ માન્યો છે. વાચકને ભલામણ છે કે, આ ભાગ વાંચતી વખતે તે શ્રી રાવજીભાઈએ એ પ્રસંગ વિશે આપેલો ચિતાર પરિશિષ્ટ – રમાં ઉતાર્યો છે તે જુએ.

ગાંધીજીનું આ પુસ્તક શાળા-મહાશાળાઓમાં તથા સામાન્ય વાચકોમાં પણ વધુ આવકારને પામશે, અને કેવળ સાહિત્ય – દૃષ્ટિએ પણ અા મૌલિક ઇતિહાસ-ગ્રંથની કદર હવે થશે, એવી આશા છે.

૨૮ – ૩ – 'પ૦

પ્રાસ્તાવિક

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી. 'સત્યાગ્રહ' શબ્દ તે લડતને અંગે શોધાયો ને યોજાયો. એ લડતનો ઇતિહાસ મારે હાથે લખાય એમ હું ઘણા વખત થયાં ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ એ તો લડાઈનો ચલાવનાર જ જાણી શકે. અને મોટા પાયા ઉપર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે એ સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ લોકો જાણે, એ ગમે તે પ્રસંગે આવશ્યક ગણાય.

પણ આ વેળા તો હિંદુસ્તાનમાં સત્યાગ્રહનું વિશાળ ક્ષેત્ર છે. વિરમગામની જકાતની નાનીસરખી લડતથી તેનો અનિવાર્ય ક્રમ શરૂ થયો છે.

વિરમગામની જકાતની લડતમાં નિમિત્ત વઢવાણનો સાધુચરિત પરગજુ દરજી મોતીલાલ હતો. વિલાયતથી આવેલો ૧૯૧૫ની સાલમાં હું કાઠિયાવાડ જતો હતો. ત્રીજા વર્ગમાં હતો. વઢવાણ સ્ટેશને આ દરજી પોતાની નાનીશી ટુકડી લઈને આવ્યો હતો. તેણે વિરમગામની થોડી વાત કરી મને કહ્યું:

'આ દુ:ખનો ઈલાજ કરો. કાઠિયાવાડમાં જન્મ લીધો છે એ સફળ કરો.' તેની અાંખમાં દૃઢતા ને કરુણા બંને હતાં.

મેં પૂછયું : 'તમે જેલ જવા તૈયાર છો ?'

તુરત જવાબ મળ્યો : 'અમે ફાંસી જવા તૈયાર છીએ.'

હું : 'મને જેલ જ બસ છે, પણ જોજો વિશ્વાસઘાત ન થાય.'

મોતીલાલ બોલ્યો : 'એ તો અનુભવે ખબર પડશે.'

હું રાજકોટ પહોંચ્યો, વધારે વિગતો મેળવી, સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. બગસરા વગેરેનાં ભાષણોમાં વિરમગામની જકાત વિશે સત્યાગ્રહ કરવો પડે તો કરવા તૈયાર રહેવાની સૂચના કરી. એ ભાષણ સરકારી દફતરે તેની વફાદાર છૂપી પોલીસે પહોંચાડ્યું, પહોંચાડનારે સરકારની સેવા કરી ને કોમની પણ અજાણતાં સેવા કરી. છેવટે

લૉર્ડ ચેમ્સફર્ડની સાથે તે વિશે વાત થઈ ને તેમણે આપેલું વચન પાળ્યું. બીજાઓએ પ્રયાસ કરેલો હું જાણું છું, પણ આમાંથી સત્યાગ્રહ થશે એવો સંભવ હતો તેથી જકાત રદ થઈ એવો મારો દૃઢ અભિપ્રાય છે.

વિરમગામ પછી ગિરમીટનો કાયદો. એ રદ કરવાને સારુ ખૂબ પ્રયાસ થયા હતા. તે લડતને સારુ જાહેર ચળવળ સારી પેઠે થઈ હતી. મુંબઈમાં થયેલી સભામાં ગિરમીટ બંધ કરવાની તારીખ ૩૧મી જુલાઈ, ૧૯૧૭ ઠરાવવામાં આવી હતી. તે તારીખ કેમ મુકરર થઈ તેનો ઈતિહાસ અહીં ન અપાય. તે લડતને અંગે વાઈસરૉય પાસે પહેલું બહેનોનું ડેપ્યુટેશન ગયું. તેમાં મુખ્ય પ્રયાસ કોનો હતો એ લખ્યા વિના ન જ રહી શકાય. ચિરસ્મરણીય બહન જાઈજી પિટીટનો એ પ્રયાસ હતો. એ લડતમાં પણ કેવળ સત્યાગ્રહની તૈયારીથી જ વિજય થયો, પણ તેને અંગે જાહેર ચળવળની જરૂર હતી એ ભેદ યાદ રાખવા જોગ છે. ગિરમીટનો અટકાવ વિરમગામની જકાત કરતાં વજનદાર હતો. લૉર્ડ ચેમ્સફર્ડૅ રૉલેટ એક્‌ટ પછી ભૂલો કરવામાં મણા નથી રાખી. છતાં તે શાણા વાઈસરૉય હતા એમ મને હજુયે લાગે છે. સિવિલ સર્વિસના સ્થાયી અમલદારોના પંજામાંથી છેવટ લગી કયો વાઈસરૉય બચી શકે ?

ત્રીજી લડત ચંપારણની. તેનો વિગતવાર ઇતિહાસ રાજેન્દ્રબાબુએ લખ્યો છે. આમાં સત્યાગ્રહ કરવો પડ્યો. કેવળ તૈયારીથી બસ ન હતું, પણ સામેના પક્ષનો સ્વાર્થ કેટલો બધો હતો ! ચંપારણમાં લોકોએ શાંતિ કેટલી જાળવી એ નોંધવા યોગ્ય છે. નેતાઓએ બધાએ મનથી, વચનથી ને કાયાથી સંપૂર્ણ શાંતિ જાળવી એનો હું સાક્ષી છું. તેથી જ આ સૈકાઓનો સડો છ માસમાં નાબદ થયો.

ચોથી લડત અમદાવાદના મિલમજૂરોની. તેનો ઇતિહાસ ગુજરાત ન જાણે તો કોણ જાણે ? મજૂરોની કેવી શાંતિ ! નેતાઓને વિશે મારે કંઈ કહેવું હોય? છતાં આ જીતને મેં સદોષ ગણી છે, કેમ કે મજૂરોની ટેક જાળવવા સારુ થયેલો મારો ઉપવાસ માલિકો પર દબાણરૂપ હતો. તેમની અને મારી વચ્ચેનો સ્નેહ ઉપવાસની અસર તેઓની ઉપર પાડે જ. એમ છતાં લડતનો સાર તો ચોખ્ખો છે. મજૂરો શાંતિથી ટકી રહે તો તેમની જીત થાય જ ને તેઓ માલિકોનાં

મન હરણ કરે. તેઓ માલિકોનાં મન હરણ નથી કરી શકયા, કેમ કે મજૂરો મન, વચન, કાયાથી નિર્દોષ – શાંત ન ગણાય. તેઓ કાયાથી શાંત રહ્યા એ પણ ઘણું મનાય.

પાંચમી લડત ખેડાની. આમાં બધા નેતાઓએ કેવળ સત્ય જાળવ્યું એમ હું નથી કહી શકતો, શાંતિ તો જળવાઈ રૈયતવર્ગની શાંતિ કંઈક મજૂરોના જેવી કેવળ કાયિક જ હતી. તેથી માત્ર માન જ રહ્યું. લોકોમાં ભારે જાગૃતિ આવી, પણ ખેડાએ પૂરો શાંતિપાઠ નહોતો લીધો; મજૂરો શાંતિનું શુદ્ધ સ્વરૂપ સમજ્યા નહોતા; તેથી રોલેટ એક્‌ટના સત્યાગ્રહ વેળા લોકોને સહન કરવું પડ્યું, મારે મારી હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી પડી ને ઉપવાસ કરવા-કરાવવા પડયા.

છઠ્ઠી લડત રૉલેટ કાયદાની. તેમાં આપણામાં રહેલા દોષો ઊભરાઈ આવ્યા. પણ મૂળ પાયો સાચો હતો. દોષો માત્ર કબૂલ કર્યા; પ્રાયશ્ચિત્ત કર્યું. રૉલેટ કાયદાનો અમલ તો કદી ન થઈ શકયો ને છેવટે એ કાળો કાયદો રદ પણ થયો. એ લડતે આપણને મોટો પાઠ આપ્યો.

સાતમી ખિલાફત, પંજાબ ને સ્વરાજની લડત. તે ચાલી રહી છે. તેમાં એક પણ સત્યાગ્રહી સાબૂત રહે તો વિજય છે જ એ મારો વિશ્વાસ અડગ છે.

પણ ચાલુ લડત મહાભારત છે. તેની તૈયારી અનિચ્છાએ કેમ થઈ તેનો ક્રમ હું આપી ગયો છું. વિરમગામની જકાત વખતે મને શી ખબર કે બીજી લડતો લડવાની રહેશે ? વિરમગામની પણ મને દક્ષિણ આફ્રિકામાં થોડી જ ખબર હતી ? સત્યાગ્રહની એ ખૂબી છે. તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી. એ તેના સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે, જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહીં, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે; અને ધર્મી તેને સારુ હંમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધનો રચનાર અને ચલાવનાર ઈશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે અને જ્યારે સત્યાગ્રહીના બધા

પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે, ત્યારે જ ઈશ્વર સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પણ પોતાને નીચો માને છે ત્યારે ઈશ્વર સહાય કરે છે. નિર્બળને જ રામ બળ આપે છે.

આ સત્યનો અનુભવ તો આપણને થવાનો છે તેથી દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ આપણને મદદરૂપ છે એમ હું માનું છું.

જે જે અનુભવો આપણને આજ લગી ચાલુ લડતમાં થયા છે તેને લગતા અનુભવો દક્ષિણ આફ્રિકામાં થયેલા વાંચનાર જોશે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આપણને એ પણ બતાવશે કે હજી સુધી આપણી લડતમાં નિરાશાનું કારણ એક પણ નથી. વિજયને સારુ કેવળ આપણી યોજનાને દૃઢતાપૂર્વક વળગી રહવાની જ જરૂર છે.

અા પ્રસ્તાવના હું જૂહુમાં લખી રહ્યો છું. ઇતિહાસનાં ૩૦ પ્રકરણો યરોડા જેલમાં લખ્યાં. હું બોલતો ગયો ને ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યાં. બાકીનાં હવે પછી લખવા ધારું છું. જેલમાં મારી પાસે આધારોને સારુ પુસ્તક ન હતાં. અહીં પણ તે એકઠાં કરવા હું ઇચ્છતો નથી. વિગતવાર ઈતિહાસ આપવાને સારુ મને અવકાશ નથી અને નથી ઉત્સાહ કે ઈચ્છા. ચાલુ લડાઈમાં મદદરૂપ થઈ પડે અને નવરાશવાળા સાહિત્યવિલાસીના હાથથી એ ઇતિહાસ વિગતવાર લખાય તો તેના કાર્યમાં મારો પ્રયત્ન સુકાનરૂપ થઈ પડે એ આશય છે. જોકે આધાર વિના લખેલી વસ્તુ છે તોપણ તેમાં એક પણ હકીકત બરોબર નથી અથવા એક પણ જગ્યાએ અતિશયોક્તિ છે એમ કોઈ ન સમજે એવી વિનંતી છે.

જુહૂ, બુધવાર,

સં. ૧૯૮૦, ફાગણ વદ ૧૩, ઈ. સ. ૧૯૨૪, ૨ જી એપ્રિલ

વાંચનાર જાણે છે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ઉપવાસાદિ કારણોને લીધે હું ચાલુ નહોતો રાખી શકયો. તે હવે પાછો આ અંકથી શરૂ કરું છું. મારી ઉમેદ છે કે હું તે હવે નિર્વિઘ્ને પૂરો કરી શકીશ.

એ ઈતિહાસનાં સ્મરણો ઉપરથી હું જોઉં છું કે, આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયો હોય. અારંભનો એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ અાગ્રહ; મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમો, આપસઆપસમાં ઝઘડા ને દ્વેષાદિ; તેમ છતાં મૂઠીભર લોકોમાં અવિચળ શ્રદ્ધા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારેલી-અણધારેલી મુસીબતો. હિંદની લડતનો અંતિમ કાળ બાકી છે. એ અંતિમ કાળની હું તો જે સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અનુભવી ચૂકયો છું, તેની જ આશા અહીં પણ રાખું છું. દક્ષિણ આફ્રિકાની લડતનો અંતિમ કાળ વાંચનાર હવે પછી જોશે. તેમાં કેવી રીતે વણમાગી મદદ આવી પડી, લોકોમાં કેવી રીતે અનાયાસે ઉત્સાહ આવ્યો અને છેવટે હિંદીઓની સંપૂર્ણ જીત કેવી રીતે થઈ, એ બધું વાંચનાર જેશે.

અને જેમ દક્ષિણ આફ્રિકામાં તેમ અહીં થશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. કેમ કે તપશ્ચર્યા પર, સત્ય પર, અહિંસા પર મારી અડગ શ્રદ્ધા છે. હું અક્ષરશ: માનનારો છું કે સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે ને તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. અહિંસાના સાનિધ્યમાં વેરભાવ નથી રહી શકતો, એ વાકય પણ હું અક્ષરેઅક્ષર ખરું માનું છું. દુઃખ સહન કરનારાઓને કશું અશકય નથી હોતું, એ સૂત્રનો હું ઉપાસક છું. આ ત્રણે વસ્તુઓનો મેળ હું કેટલાયે સેવકોમાં જાઉં છું. તેઓની સાધના નિષ્ફળ ન જ થાય એવો મારો નિરપવાદ અનુભવ છે.

પણ કોઈ કહેશે કે, દક્ષિણ આફ્રિકામાંની સંપૂર્ણ જીતનો અર્થ તો એ જ કે હિંદીઓ હતા તેવા થઈને બેઠા. આવું કહેનાર અજ્ઞાની

કહેવાય. જો દક્ષિણ આફ્રિકામાં લડત ન લડાઈ હો તો આજે દક્ષિણ આફ્રિકામાંથી જ નહીં પણ બધાં અંગ્રેજી સંસ્થાનોમાંથી હિંદીઓનો પગ નીકળી ગયો હોત ને તેની ભાળ સરખી પણ ન લેવાઈ હોત. પણ આ જવાબ પૂરતો અથવા સંતોષકારક ન ગણાય. એવી દલીલ પણ થઈ શકે કે, જે સત્યાગ્રહ ન થયો હોત પણ લેવાય તેટલું કામ સમજૂતીથી લઈને બેસી ગયા હોત તો આજે જે સ્થિતિ છે તે ન હોત. આ દલીલમાં જોકે કાંઈ વજૂદ નથી છતાં જ્યાં કેવળ દલીલોના અને અનુમાનોના જ પ્રયોગ થાય ત્યાં કોની દલીલ કે કોનાં અનુમાનો ઉત્તમ એ કોણ કહે ? અનુમાનો કાઢવાનો સહુને હક છે. ઉત્તર ન દઈ શકાય એવી વાત તો એ છે કે જે શસ્ત્ર વડે જે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે તે વસ્તુ રાખી શકાય.

'કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ્ય વહી બાણ.'

જે અર્જુને શિવજીને હરાવ્યા, કૌરવોનો મદ ઉતાર્યો, તે જ અર્જુન જ્યારે કૃષ્ણરૂપી સારથિરહિત થયો ત્યારે એક લૂંટારાની ટોળીને પોતાના ગાંડીવ ધનુષ્યથી ન હરાવી શકયો ! તેવું જ દક્ષિણ આફ્રિકાના હિંદવાસીઓનું છે. હજુ તો ઝૂઝી રહ્યા છે. પણ જે સત્યાગ્રહ વડે તેઓ જીત્યા, તે શસ્ત્ર જે ખોઈ બેઠા હોય તો તેઓ અંતે બાજી હારી જવાના. સત્યાગ્રહ તેમનો સારથિ હતો ને તે જ સારથિ તેમને સહાય કરી શકે તેમ છે.

नवजीवन, પ-૭-૧૯૨૫

મોહનદાસ કરયમચંદ ગાંધી

અનુક્રમણિકા
પ્રકાશકનું નિવેદન
પ્રાસ્તાવિક
પ્રથમ ખંડ
૧. ભૂગોળ
૨. ઇતિહાસ
૩. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન ૨૨
૪. મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ) ૨૭
૫. મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)(ટ્રાન્સવાલ અને બીજા સંસ્થાનો) ૩૨
૬. હિંદીઓએ શું કર્યું ? ૩૮
૭. હિંદીઓએ શું કર્યું? (ચાલુ) ૪૮
૮. હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ) ૬૫
૯. બોઅર લડાઈ ૬૮
૧૦. લડાઈ પછી ૮૦
૧૧. વિવેકનો બદલો – ખૂની કાયદો ૯૭
૧૨. સત્યાગ્રહનો જન્મ ૧૦૪
૧૩. સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ ૧૧૨
૧૪. વિલાયતમાં ડેપ્યુટેશન ૧૧૮
૧૫. વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ ૧૨૬
૧૬. અહમદ મહમદ કાછલિયા ૧૨૯
૧૭. પહેલી ફૂટ ૧૩૭
૧૮. પહેલો સત્યાગ્રહી કેદી ૧૪૦
૧૯. 'ઇન્ડિયન ઓપીનિયન' ૧૪૪
૨૦. પકડાપકડી ૧૪૭
૨૧. પહેલી સમાધાની ૧૫૭
૨૨. સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો ૧૬૦
૨૩. ગોરા સહાયકો ૧૭૭
૨૪. અંતરની વિશેષ મુસીબતો ૧૮૮

દ્વિતીય ખંડ
૧. જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?) ૧૯૭
૨. લડતની પુનરાવૃત્તિ ૨૦૬
૩. મરજિયાત પરવાનાની હોળી ૨૧૦
૪. કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ ૨૧૩
૫. સોરાબજી શાપુરજી અડાજણિયા ૨૧૮
૬. શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું ૨૨૩
૭. દેશનિકાલ ૨૨૮
૮. ફરી ડેપ્યુટેશન ૨૩૩
૯. ટૉલ્સ્ટોય ફાર્મ-૧ ૨૩૮
૧૦. ટૉલ્સ્ટોય ફાર્મ-ર ૨૪૦
૧૧. ટૉલ્સટોય ફાર્મ-૩ ૨૪૭
૧૨. ગોખલેનો પ્રવાસ ૨૬૩
૧૩. ગોખલેનો પ્રવાસ (ચાલુ) ૨૭૧
૧૪. વચનભંગ ૨૭૫
૧૫. વિવાહ તે વિવાહ નહીં ૨૭૯
૧૬. સ્ત્રીઓ કેદમાં ૨૮૫
૧૭. મજૂરોની ધારા ૨૮૮
૧૮. ખાણના માલિકો પાસે અને પછી ૨૯૩
૧૯. ટ્રાન્સવાલમાં પ્રવેશ ૨૯૮
૨૦. ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ) ૩૦૨
૨૧. બધા કેદમાં ૩૦૬
૨૨. કસોટી ૩૧૩
૨૩. અંતનો આરંભ ૩૧૭
૨૪. પ્રાથમિક સમાધાની ૩૨૪
૨૫. પત્રોની આપલે ૩૨૬
૨૬. લડતનો અંત ૩૩૦
ઉપસંહાર ૩૩૩
પરિશિષ્ટ ૧ ૩૩૫
પરિશિષ્ટ ૨ ૩૪૨
સૂચિ ૩૪૫



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.